રવિવાર, 29 એપ્રિલ, 2012

પિત્તાશયની પથરી : પેટની બાજુમાં અસહ્ય દુખાવો થતો હોય તો ચેતજો

* હેલ્થ ઇઝ વેલ્થ *
                        પિત્તાશય એ યકૃત (Liver)ની નીચેની સપાટીમાં આવેલો એક નાના ફુગ્ગા જેવો અવયવ છે. માનવશરીરમાં યકૃત ખૂબ જ અગત્યનો અવયવ છે, જે ચયાપચયની પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. યકૃતમાંથી પિત્ત પેદા થાય છે જે ચરબીજન્ય પદાર્થોના પાચન માટે જવાબદાર છે. આ પિત્ત યકૃતમાંથી પિત્તાશયમાં જાય છે અને ત્યાં તેનો સંગ્રહ થાય છે. પછીથી પિત્તાશયની નળી (Common bile duct) મારફતે નાના આંતરડાના શરૂઆતના ભાગમાં જાય છે.

કારણો

* શરીરમાં પેદા થતા કોલેસ્ટ્રોલમાંથી કેટલીક વ્યક્તિઓમાં પિત્તાશયમાં નાની નાની પથરીઓ બને છે અને તેમાં જમા થાય છે. જેને પિત્તાશયની પથરીઓ કહેવાય છે. કેટલીક વાર એક મોટી પથરી પણ જોવા મળે છે.
* આ પથરીઓ કેટલીક વાર લાંબા સમય સુધી કોઈ તકલીફ આપતી નથી, પરંતુ કોઈ વાર તેમાં ચેપ પેદા થાય છે અથવા સોજો આવે છે. આ સ્થિતિને Cholecystitis કહેવાય છે.

લક્ષણો

* હળવા પ્રમાણમાં સોજો હોય તો મંદ દુખાવો થાય છે.
* ઉબકા, ગેસ, અથવા ઓડકાર આવ્યા કરે છે.
* વધારે પ્રમાણમાં સોજો આવે તો પેટમાં જમણી બાજુએ છેલ્લી પાંસળીની નીચે અને      છાતીનાં હાડકાંના નીચેના છેડા પાસે ખૂબ દુખાવો થાય છે.
* દર્દી ખૂબ જ બેચેની અનુભવે છે. ઊલટીઓ, પરસેવો વગેરે જોવા મળે છે.

નિદાન

* દર્દીનું પેટ તપાસતાં જમણી બાજુએ છેલ્લી પાંસળીની નીચે તથા છાતીનાં હાડકાંના   નીચેના છેડા પાસે હાથથી દબાણ આપતાં દુખાવો વધારે થાય છે અને તે ભાગના સ્નાયુઓ થોડા કડક લાગે છે.
* સોનોગ્રાફીથી આ રોગનું નિદાન જલદી થઈ શકે છે. કેટલીક વાર પિત્તાશયની નળીમાં જો એક-બે પથરી ફસાઈ જાય તો તેમાંથી કમળો થાય છે. જો સ્વાદુપિંડની નળીમાં એક-બે પથરી જતી રહે તો તેના કારણે Pancreatitis થાય છે. જેથી પેટમાં ખૂબ દુખાવો થાય છે અને કેટલીક વાર દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે. અહીં ઉપર વર્ણવેલી બે પરિસ્થિતિ સોનોગ્રાફીમાં તરત જ નક્કી થઈ શકે છે.

સારવાર

* શરૂઆતમાં એન્ટિ બાયોટિક્સ તથા પીડાશામક દવાથી દર્દીને રાહત અપાય છે. ત્યાર બાદ જો પથરી પિત્તાશયની નળીમાં ફસાયેલી હોય તો તે ERCP નામની પદ્ધતિથી તેને દૂર કરવામાં આવે છે અને પછીથી ઓપરેશનથી પિત્તાશયને કાઢી લેવામાં આવે છે.
* આજકાલ ઓપરેશન માટે લેપ્રસ્કોપિક પદ્ધતિ વધારે પ્રચલિત છે. જેમાં દર્દીને એકાદ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે અને ત્રણ-ચાર દિવસના આરામ પછી પોતાની પ્રવૃત્તિઓ કરી શકે છે.
* કોઈ કેસમાં પિત્તાશય બહુ મોટું થઈ ગયું હોય અથવા સખત રીતે ચોંટી ગયું હોય તો પેટ પર ચીરો મૂકીને તેને બહાર કાઢી લેવામાં આવે છે.

સામાન્ય સૂચન

                પિત્તાશયની પથરીઓ ઘણા લોકોમાં જોવા મળે છે. લોહીમાં કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ અને વધુ પડતા ચરબીયુક્ત ખોરાક કે જંકફૂડ પણ કદાચ જવાબદાર હોઈ શકે. આ કારણથી Pancreatitis પણ ઘણી વાર થાય છે. માટે નિયમિત હળવી કસરતો, ખોરાકનું નિયમન વગેરેને મહત્ત્વ આપવું જરૂરી છે.
       

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો