રવિવાર, 29 એપ્રિલ, 2012

અકબર અને બીરબલની વાર્તાઓ

અકબર અને બીરબલ
                              બીરબલે તાનસેનનાં કાનમાં કાંઇક કહ્યું, એટલે તાનસેન શાંત થયો. એનામાં થોડીક હિંમત આવી. સિપાઇઓ બંન્ને સીળી પાસે લઇ ગયાં. ત્યાં બિરબલ એકદમ આગળ આવીને જલ્લાદને કહ્યું કે પહેલા મને સૂળી ચડાવો. તાનસેને કહ્યું ના પહેલા મને સૂળીએ ચડાવો. વાત વધી ગઇ. બેય રકઝક કરવા લાગ્યાં. જલ્લાદને નવાઇ લાગી એણે બાદશાહને આ ખબર પહોંચાડી. બાદશાહે બંન્ને 'દરબારમાં પાછા બાલાવ્યાં. તમે બંન્ને કે મરવા માટે ઝઘડો છો.? બીરબલ કહે કે એ કાયં કહી શકાય એવીં નથી. મને પહેલા શૂળીએ ચડાવી 'દો. બાદશાહ કહે હવે તો કારણ જાણીયા વિના હું તમને શૂળીએ ચડાવી ન શકું. બીરબલ કહે કે અમારા બાદશાહને તમારૂ રાજય જીતવું છે તમે પવિત્ર માણસ છો એટલે તેઓ તેમાં સફળ થતાં નથી. એમના ગુરૂએ જ કહ્યું છે કે જો ઇરાનનાં બાદશાહને હાથે બે નિર્દોંષ માણસોની હત્યાં થાય તો જ તમને ઇરાન ઉપર જીત મેળવી શકશો. આથી અમને બંન્નેને બાદશાહે તમારી પાસે મોકલ્યાં છે. બાદશાહે કહ્યું હવે હું આ વાત સમજયો, પણ તમે બંન્ને જણા પાછા એકબીજા કરતા પહેલા મરવા માટે કેમ ઝઘડો છો. ? બીરબલે કહ્યું તમે બંન્ને નિર્દોંષ છો. તેથી તમારા માંથી જે પહેલો મરશે તે બીજા જન્મમાં રાજા થશે, જે બીજો મરશે તે તેનો વજીર થશે. મારે રાજા જ થવું છે એટલે તમે મને પહેલા શૂળીએ ચડાવી 'દો. ઇરાનનાં બાદશાહે કહ્યું હું શા માટે બે નિર્દોંષ માણસોની હત્યાં કરું. હું તમને હુકમ કરું છુ કે તમે અત્યારે ને અત્યારે તમારા વતનમાં પાછા ચાલ્યા જાઓ.
                           તાનસેન અને બીરબલ અકબર પાસે જીવતા પાછા આવી ગયા, એટલે અકબર કઇંક બોલે એ પહેલાં તાનસેન બોલ્યો જહાંપનાહ ! વજીરનાં પદ માટે તો બીરબલ જ લાયક છે. તમે તેને જ વજીર બનાવો. મારે વજીર થવું નથી. પછી જયાંરે તાનસેને બઘી વાત કરી ત્યારે અકબર ઊઠીને બીરબલને ભેટી પડયો. ત્યારે બઘા દરબારીઓ જોઇ રહ્યાં.

અકબર અને બીરબલ


                                   એક વાર બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે ટોળટપ્પાં કરતા હતા. એ જ વખતે એક દરવાન દરબારમાં પ્રવેશ્યો. તેણે કહ્યું, ‘જહાંપનાહ, કોઈ પરદેશી કલાકાર તમને મળવા માગે છે.’
                 બાદશાહે તેને આવવાની મંજૂરી આપી. થોડી વારમાં જ એક વ્યકિતએ દરબારમાં પગ મૂકયો. તેની પાસે એક મોટું પીંજરું હતું અને પીંજરામાં સિંહ હતો. દરબારીઓને પણ એ જોઈને નવાઈ લાગી.
              કલાકારે કહ્યું, ‘જહાંપનાહ, મેં તમારા ખૂબ જ વખાણ સાંભળ્યા છે. તમારા દરબારમાં પંડિતો, વિદ્વાનો છે. નવ રત્નો છે. પણ હું એ બધાને પડકારું છું કે પીંજરું ખોલ્યા વગર અને સિંહને અડયા વગર એનો નાશ કરનાર કોઈ ખડતલ, સાહસકિ માણસ તમારા દરબારમાં છે?
             જે માણસ મારા કહ્યા પ્રમાણે કરી બતાવશે તેને હું પાંચસો સોનામહોર આપીશ, પણ જો તે નિષ્ફળ જશે તો એણે મને પાંચસો સોનામહોર આપવી પડશે.’
        કલાકારની વાત સાંભળી આખો દરબાર વિચારમાં પડી ગયો. ખુદ બાદશાહ અકબર પણ ચોંકી ગયા, ‘આવું તો કેમ બને?’
          એક-એક કરીને દરબારીઓ પીંજરા પાસે આવ્યા પણ બધાને નિષ્ફળતા સાંપડી. બાદશાહને પણ થયું કે તેમની આબરુ આજે કોઈ નહીં બચાવી શકે.
છેવટે બીરબલે તે કલાકારને કહ્યું, ‘હું આ કામ કરી બતાવીશ.’ એમ કહી બીરબલે સેવકોને બોલાવ્યા અને સૂકાં લાકડાં લાવવા માટે કહ્યું. લાકડા મંગાવીને પીંજરાની આજુબાજુ ગોઠવી દીધા.
                      ત્યાર પછી બીરબલે કહ્યું, હવે આ લાકડા સળગાવો. સેવકોએ લાકડા સળગાવ્યા કે તરત જ બળવા માંડયા. લાકડા બળતા ગયા એમ એનો તાપ પણ સખત વધતો ગયો અને સિંહ પણ અદ્દશ્ય થવા માંડયો. થોડી જ વારમાં પીંજરું ખાલી થઈ ગયું. બાદશાહ અકબર અને દરબારીઓની નવાઈનો પાર ન રહ્યો.
બાદશાહે પૂછ્યું, ‘બીરબલ, તેં આ કેવી રીતે કર્યું?’તો બીરબલે કહ્યું, ‘જહાંપનાહ, સિંહ મીણનો બનાવેલો હતો. તેથી મેં લાકડા મંગાવ્યા અને આગ લગાવડાવી. જેના કારણે મીણ ઓગળવા માંડયું. આમ, હાથ લગાડયા વગર જ સિંહનો નાશ થયો.’
             કલાકારે બીરબલને કહ્યું, ‘હું ઘણા રાજયોમાં સિંહ લઈને ફર્યોહતો, પણ તમારા જેવા બુદ્ધિશાળી કોઈ ન મળ્યા. શરત પ્રમાણે લો આ પાંચસો સોનામહોરો.’બીરબલે કલાકારની કલાની કદર કરી અને સોનમહોરની થેલી તેને પાછી સોંપી. બાદશાહ અકબરે પણ પ્રસન્ન થઈ કલાકારને પાંચસો સોનામહોર આપી.

અકબર બીરબલ

                          એક વાર એક વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે બીરબલ પાસે જઈને બીરબલને કહ્યું, ‘મારા પુત્રએ વીસ વર્ષ સુધી શાહી ફોજમાં રાજયની સેવા કરી, પણ હવે એ આ દુનિયામાં નથી. અમે બે સ્ત્રીઓ તદ્દન નિરાધાર બની ગઇ છીએ. અમારી પાસે આવક નથી.’
                        તેમની વાત સાંભળી બીરબલે કહ્યું, ‘તમારા દુ:ખને હું સમજી શકું છું. બાદશાહ અકબર દયાળુ છે. એ તમારી મદદ કરશે. હું તમને કહું એમ તમે કરશો તો તમારું કામ થઈ જશે.’બીજા દિવસે દરબાર ભરાયો. વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે દરબારમાં હાજર થઈ. તેણે કહ્યું, ‘જહાંપનાહ! મારા પુત્રની આ તલવારે અનેક યુદ્ધો જીતાડયા છે. હવે એ હયાત નથી તો આપ આ તલવારને તમારા શસ્ત્રાગારમાં જગ્યા આપો.’બાદશાહે તલવાર જોઈને કહ્યું, ‘આ કાટ ખાધેલી સાવ જૂની તલવાર અમારા કંઈ જ કામની નથી.’ વળી, બાદશાહે તેમના એક સેવકને હુકમ આપ્યો, ‘આ તલવાર એને પાછી આપી દો. સાથે પાંચ સોનામહોર પણ આપો’. બાદશાહનું એવું વર્તન જોઈને બીરબલને નવાઈ લાગી. માત્ર પાંચ સોનામહોર!
                        બીરબલે બાદશાહ અકબરને કહ્યું, ‘જહાંપનાહ! શું એ તલવારનું હું નિરીક્ષણ કરી શકું?’ બાદશાહ અકબરે કહ્યું, ‘હા, બીરબલ તું પણ નિરીક્ષણ કરી લે.’ બીરબલે તલવાર હાથમાં લીધી અને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા લાગ્યો. ઘડીકમાં આમ ફેરવતો, તો ઘડીકમાં નીચેની બાજુ જોતો, તો ઘડીકમાં તલવારની મુઠ જોતો.
                            બાદશાહ પણ બીરબલની આ હરકત જોઇ વિચારમાં પડયા. છેવટે ન રહેવાતા પૂછ્યું, ‘શું થયું બીરબલ?’ ‘કંઈ નહીં જહાંપનાહ! જો કે મને વિશ્વાસ હતો કે તલવાર સોનાની બની જશે.’ ‘હેં, શું કહ્યું… સોનાની?’ બાદશાહને બીરબલની વાતથી નવાઇ લાગી.‘હા જહાંપનાહ! એક પારસ જે માત્ર એક પથ્થર હોય છે, તેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે. તો આપના જેવા પરોપકારી બાદશાહના હાથનો સ્પર્શ પામ્યા પછી પણ…’ બીરબલે જાણી જોઇને વાકય અધૂરું છોડયું.બાદશાહ બીરબલની વાતથી બેચેન બની ગયા. તેમણે કહ્યું, ‘જે કહેવું હોય તે સ્પષ્ટ કહે.’ બીરબલે કહ્યું, ‘સામાન્ય પથ્થરમાં અને પારસમાં આ જ ભેદ હોય છે. બંને પથ્થર એકના સ્પર્શથી સોનું બને તો બીજાનો સ્પર્શ ઇજા કરે. મદદ માટે આવેલી આ સ્ત્રીઓ ખુશ થવાને બદલે દુ:ખી થઈ ગઈ.’
                          અકબર બાદશાહ બીરબલના કહેવાનો ભાવાર્થ તરત સમજી ગયા. તેમને થોડી શરમ પણ ઊપજી. તેમણે એ જ વખતે હુકમ કર્યો, ‘આ સ્ત્રીને તલવારના વજન બરાબર સોનામહોરો આપવામાં આવે અને જીવે ત્યાં સુધી તેમને ખરચા-પાણી આપવામાં આવે.’ તરત જ હુકમનું પાલન કરવામાં આવ્યું.આમ બીરબલે ચતુરાઇથી વૃદ્ધ સ્ત્રી અને તેની પુત્રવધુને આજીવિકાનું સાધન કરાવી આપ્યું. બંને સ્ત્રીઓ બાદશાહ અકબર અને બીરબલને દુવાઓ આપતી ઘરે ગઇ.

બાદશાહ અકબરના પાંચ સવાલ


                      બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો.
                        એક દિવસ બાદશાહ અકબર દરબારમાં બેઠા હતા. બધા દરબારીઓ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ તેમના પ્રિય રત્ન બીરબલ હજી સુધી દરબારમાં આવ્યા ન હતા. અત્યંત મહત્વપૂર્ણ એવી દરબારી કાર્યો પર ચર્ચા ચાલી રહી હતી કે અચાનક અકબરને ન જાણે શું થયું, તેમણે દરબારીઓને પાંચ પ્રશ્નો કર્યા - "કયું ફૂલ સૌથી સારું છે?, કયું પાનું સૌથી ઉપયોગી છે?, કોનું દૂધ સૌથી ઉત્તમ છે?, મીઠી વસ્તુઓમાં સૌથી સારું શું છે? તથા સૌથી શ્રેષ્ઠ રાજા કોણ છે?"
 
                    અકબરના આ સવાલોના જવાબોમાં બધા દરબારીઓનો મત અલગ-અલગ હતો, પરંતુ પાંચમાં સવાલના જવાબમાં બધા દરબારીઓએ બાદશાહ અકબરને જ સૌથી શ્રેષ્ઠ રાજા બતાવ્યાં. તેમ છતાંય અકબર આ જવાબોથી સંતુષ્ટ નહીં થયા. એમને વિશ્વાસ હતો કે આ બધા પ્રશ્નોના સાચા ઉત્તરતો ફક્ત એક બીરબલ જ આપી શકે.
                        થોડી જ વારમાં બીરબલ દરબારમાં ઉપસ્થિત થયા અને બાદશાહને સલામ કરીને પોતાના સ્થાન ઉપર બેસી ગયા. બાદશાહ અકબરે ઉપરોક્ત પ્રશ્નો ફરી કર્યા.
                     "બાદશાહ સલામત, આ તો ખૂબજ આસાન સવાલો છે." - બીરબલે કહ્યું. "સૌથી સારું ફૂલ કપાસનું છે કારણ કે તેનાથી આપણને તન ઢાંકવા માટે કપડા મળે છે. સૌથી ઉપયોગી પાનું લાલનું છે કારણ કે એનાથી દુશ્મનોને દોસ્ત બનાવી શકાય છે. માઁનું દૂધ સૌથી ઉત્તમ છે કારણ કે એનાથી શિશુને પોષણ મળે છે. મીઠાશમાં સૌથી સારી વાણી છે કારણ કે મીઠુ બોલવાથી જ આ દુનિયામાં ઇજ્જત થાય છે અને રાજાઓમાં સૌથી શ્રેષ્ઠ રાજા ઇન્દ્ર છે જેમના આદેશથી આ દુનિયા ચાલી રહી છે."
                      બાદશાહ અકબરને એમના સવાલોના જવાબ મળી ગયા હતા. તેઓ બીરબલની બુદ્ધિમતા પર ખુબજ પ્રસન્ન થયા. 
 
બીરબલની ખીચડી
 
                          એક દિવસ નગરમાં એક યુવાન હઠયોગી આવ્યો.તેનું શરીર ભારે કસાયેલું હતું.તે જાતજાતના શારીરિક કરતબ કરતો હતો.તે પ્રોત્સાહન મેળવવા માટે અકબર બાદશાહના દરબારમાં આવ્યો. તેણે બાદશાહને પોતાની આવડત વિશે જણાવ્યું.ત્યારે એક લુચ્ચા દરબારીએ કહ્યું,''એવા શારીરિક દાવપેચ તો કોઈપણ અભ્યાસુ કરી શકે.જો તું કંઈક નવું કરવા માગતો હો તો આ કડકડતી ઠંડીમાં ચોવીસ કલાક નદીમાં છાતી સુધી પાણીમાં ઊભો રહી શકે તો તું સાચો હઠયોગી!'' તેના જવાબમાં તે યુવાને કહ્યું,'' જો જહાંપનાહ,મને મંજૂરી આપે તો હું નદીમાં ચોવીસ કલાક ઊભો રહીશ. મને કોઈ તકલીફ નહીં પડે.''
                               અકબર બાદશાહે રજા આપી. તે યુવાન એવી કડકડતી ઠંડીના દિવસોમાં,છાતી સુધી પાણીમાં ચોવીસ કલાક ઊભો રહ્યો. લોકોએ તથા બાદશાહે પણ તે જોયું. ચોવીસ કલાક પૂરા થયા એટલે તે યુવાન ઈનામ મળવાની આશાએ ફરીથી દરબારમાં આવ્યો. ત્યારે અકબર બાદશાહે સહજ ભાવે પૂછયું,''યુવાન,તેં ખરેખર કમાલ કરી છે. દિવસના તો ઠીક પણ તેં આખી રાત કેવી રીતે પસાર કરી?''
 
                      ''અન્નદાતા. રાત્રે હું નદીમાં ઊભો ઊભો આપના મહેલમાં સળગતો દીવો જોતો રહ્યો અને મારી રાત કયારે પસાર થઈ ગઈ તે મને ખબર જ ન પડી!'' યુવાને આ જવાબ આપ્યો ત્યારે પેલા લુચ્ચા દરબારીએ કહ્યું, ''જહાંપનાહ, આ યુવાને તો કંઈ કમાલ નથી કરી. એ તો આપના મહેલના દીવા માંથી મળતી ગરમીને કારણે ઠંડીમાં રાત પસાર કરી શકયો છે.એ સાવ સામાન્ય વાત છે.''અકબર બાદશાહ પણ લુચ્ચા દરબારીની વાત માં આવી ગયા.તેમણે યુવાનને કંઈ પણ ઈનામ ન આપ્યું. યુવાન નિરાશ થઈ ચાલ્યો ગયો.આ બધું બન્યું ત્યારે બીરબલે ચૂપચાપ જોયા કર્યું. પરંતુ બીજા દિવસથી બીરબલે દરબારમાં આવવાનું બંધ કર્યું. બે-ત્રણ દિવસ થઈ ગયાં છતાં બીરબલ દરબારમાં ન આવ્યો એટલે અકબર બાદશાહે બીરબલને તેડાવવા માણસ મોકલ્યો. થોડીવાર પછી તે માણસ પાછો આવ્યો અને કહ્યું,'' જહાંપનાહ, બીરબલે કહ્યું કે હું ખીચડી બનાવું છું. જેવી મારી ખીચડી બની જાય,પછી તરત જ ખીચડી ખાઈને હું દરબારમાં આવીશ.''
 
      ફરી બે દિવસ થઈ ગયા છતાં બીરબલ દરબારમાં ન આવ્યો,એટલે બાદશાહે નોકરને ફરી બીરબલને બોલાવવા મોકલ્યો.નોકરે પાછા આવી કહ્યું,''જહાંપનાહ,બીરબલ કહે છે કે મારી ખીચડી હજી સુધી પાકી નથી. જયારે ખીચડી પાકી જશે ત્યારે હું તે ખાઈને દરબારમાં આવીશ.''
 
      આ જવાબ સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયા.  થયું કે''લાવ હું જ જઈને જોઈ આવું કે બીરબલ કેવી ખીચડી બનાવે છે!''
 
      અકબર બાદશાહ દરબારીઓને લઈ બીરબલ જયાં બેઠો હતો ત્યાં ગયાં.ત્યાં જઈ તેમણે જોયું તો ત્રણ લાંબા વાંસની ઘાડી બનાવી બીરબલે વાંસની ઉપર ખીચડીની હાંડલી લટકાવી હતી અને નીચે જમીન ઉપર આગ સળગાવી હતી. આ જોઈ બાદશાહે કહ્યું,''આ શું ખેલ કરી રહ્યો છે! બીરબલ,અગ્નિથી આટલી અદ્ધર રાખીને ખીચડી કોઈ દિવસ પાકતી હશે?''
 
      ''હજૂર, જરૃર પાકી જશે.''બીરબલે કહ્યું.
      ''કેવી રીતે?'' બાદશાહે કહ્યું.
      ''જહાંપનાહ,જેવી રીતે મહેલમાં સળગતા દીવાની ગરમીથી દૂર નદીમાં ઊભેલો પહેલો હઠયોગી ઠંડી ઉડાડી રહ્યો હતો,તેમ આટલી અદ્ધર રાખેલી ખીચડી પણ પાકી થઈ જશે.''બીરબલે જવાબ આપ્યો. અકબર બાદશાહ બીરબલની આ દલીલ સાંભળી શરમાયા.
 
      બીજે દિવસે તેમણે પેલા હઠયોગીને તેડાવી તેને ઈનામ આપ્યું.
 
બેભાન સાક્ષી
 
                 એક બ્રાહ્મણ દિલ્લીમાં ફરવા આવ્યો હતો. એ દિલ્લીમાં કોઈને ઓળખતો ન હતો. એક વેપારીએ એના પર દયા કરીને એને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો.તેણે બ્રાહ્મણને જમાડયો અને રાત્રે સૂવા માટે એક ઓરડી આપી.
           દિલ્હીમાં ચોરોનો ત્રાસ ખૂબ હતો. અકબરના સિપાઈઓ રાત્રે આખા નગરમાં ફરીને ચોકી કરતા હતા. એમાંથી એક સિપાઈ પોતે જ ચોર હતો.તે રાત્રે નગરમાં ફરતાં ફરતાં નાની મોટી ચોરીઓ કરી લેતો.
 
      બ્રાહ્મણે જે વેપારીને ઘેર રાતવાસો કર્યો હતો,ત્યાં એ સિપાઈ ચોરી કરવા આવી પહોંચ્યો. બ્રાહ્મણ જયાં સૂતો હતો,એ જ ઓરડીમાં બાકોરું પાડીને સિપાઈ ઘરમાં ઘૂસી ગયો. ઘરામાં તાળું વાસેલી એક પેટી પડી હતી. એ ઉપાડીને સિપાઈ બાકોર માંથી બહાર નીકળવા ગયો.ત્યાં જ અવાજ સાંભળીને પેલો બ્રાહ્મણ જાગી ગયો. એણે પેટી લઈને બહાર નીકળતા સિપાઈને પકડયો.
 
      સિપાઈએ બ્રાહ્મણને ફોસલાવ્યો,''તું છોડી દે. આ પેટી માંથી જે નીકળશે, એમાંથી હું તને અર્ધો ભાગ આપીશ.''
 
      બ્રાહ્મણ માન્યો નહીં.એ બૂમ પાડીને ઘરમાલિક વેપારીને જગાડવા જતો હતો ત્યાં સિપાઈએ જ બૂમાબૂમ શરૃ કરી દીધી. વેપારી જાગી ગયો. સિપાઈ બોલ્યો,'' આ બ્રાહ્મણ તમારી પેટી લઈને ભાગી જતો હતો.તેથી મેં એને પકડી લીધો છે. જુઓ! ઓરડીમાં એણે બાકોરું પણ પાડયું છે!''
     વેપારીને સિપાઈની વાત સાચી લાગી. સિપાઈએ ચોરને પકડયો હતો એટલે એ મામલો દરબારમાં પહોંચ્યો. સિપાઈ,બ્રાહ્મણ અને વેપારીને બીરબલની પાસે હાજર કરવામાં આવ્યાં.
      પહેલાં બીરબલે પોતાના એક વિશ્વાસુ માણસને કંઈક કહીને બહાર મોકલ્યો. પછી તેણે સિપાઈ અને બ્રાહ્મણને પોતાની પાસે બોલાવ્યા. એણે બંનેને સવાલો પૂછવાનું શરૃ કર્યું.
      એટલામાં બીરબલે બહાર મોકલેલો માણસ દોડતો દોડતો પાછો આવ્યો. એણે બીરબલને કહ્યું,
''હજૂર! હું અને મારા દીકરો મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિર માંથી બહાર નીકળતાં મારો દીકરો પડી જવાથી બેભાન થઈ ગયો છે. એને ત્યાંથી ઊંચકીને દવાખાને લઈ જવા આપ બે માણસો
 આપશો ?''
      બીરબલે એને કહ્યું,''તું અહીં ઊભો રહે. મારે તારું કામ છે. હું આ સિપાઈ અને બ્રાહ્મણને મંદિરે મોકલી આપું છું. એ તારા દીકરાને મંદિરેથી ઊંચકીને અહીં લઈ આવશે. તું એની ચિંતા કરીશ નહીં.''
 
      સિપાઈ અને બ્રાહ્મણ મંદિરે પહોંચ્યા. ત્યાં બેભાન થઈને પડેલા છોકારને એમણે ઊંચકી લીધો. રસ્તામાં બ્રાહ્મણે સિપાઈને કહ્યું,'' ભાઈ! તેં જ પેલા વેપારીના ઘરમાં બાકોરું પાડયું હતું. તું જ એની પેટી ચોરીને નાસી રહ્યો હતો.મેં તો તને ચોરી કરતાં રોકયો હતો.છતાં લોકો આગળ જૂઠું બોલીને તેં મને ચોરીના આ ગુનામાં કેમ ફસાવી દીધો ?''
      સિપાઈ બાલ્યો,''તારી વાત સાચી છે પણ હવે એનો કશો અર્થ નથી મેં ચોરીના માલમાંથી અર્ધો ભાગ તને આપવાનુ કહ્યું હતું.પણ તું માન્યો નહીં.તેથી હવે તારે સજા ભોગવવી પડશે.''
      થોડી વારમાં બંને જણ છોકરાને ઊંચકીને બીરબલ પાસે આવી પહોંચ્યા. એમણે છોકરાને નીચે સુવડાવ્યો.
      બીરબલે સિપાઈ અને બ્રાહ્મણને ફરીથી સાચું બોલવા સમજાવ્યા. પરંતુ હજુ ચોરીનો દોષ એ બંને એકબીજાને માથે નાખતા હતા.
      બીરબલ કહે, '' તમે બંને આવું જ કર્યા કરશો તો હું ચોરને કેવી રીતે શોધી શકીશ?''
      બીરબલનો પ્રશ્ન સાંભળીને બેભાન પડેલો છોકરો એકદમ ઊભો થઈ ગયો. એણે બીરબલને કહ્યું,
''ખરો ચોર આ સિપાઈ છે. બ્રાહ્મણને ચોરીના ગુનામાં એણે ખોટી રીતે ફસાવી દીધો છે.'' પછી એણે બ્રાહ્મણ અને સિપાઈ વચ્ચે રસ્તામાં થયેલી વાત બીરબલને કહી સંભળાવી.
 
       બીરબલે બ્રાહ્મણને માનભેર છોડી મૂકયો અને સિપાઈને જેલમાં મોકલી દીધો.

 
 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો