Powered By Blogger

રવિવાર, 16 સપ્ટેમ્બર, 2012

સુવિચાર

જીવનની દિશા
                                           ગુરુત્વાકર્ષણના સિધ્ધાંત શોધક આઈઝેક ન્યુટન નું બાળપણ ખુબજ ગરીબીમાં વીત્યું. ભણવામાંય એ સાવ સામાન્ય. ક્લાસના ખુબ હોશિયાર પણ તોફાની છોકરા સાથે ન્યુટન ને તકરાર થઇ. બધા પર રોફ કરતા આ છોકરાની ન્યુટને બરાબર પીટાઈ કરી. બીજા વિદ્યાર્થીઓ તો ખુશ થઈને ન્યુટન ને શાબાશી આપવા લાગ્યા. જો કે ન્યુટનના મનમાં એ વખતે વિચાર ઝબકયો કે શરીરની તાકાતમાં તો મેં એ છોકરાને હરાવ્યો, હવે બુદ્ધિની તાકાતમાં એને હરાવું ત્યારે ખરો. આ ઘટના પછી ન્યુટન ના જીવનમાં વળાંક આવ્યો. ખુબ મહેનત કરવાનું શરુ કર્યું. નવું નવું શીખવાની અને કરવાની ધગશ ખીલવી. તે  દિવસથી એ મોટી વસ્તુઓના નાના નમુના બનાવવા લાગ્યો. એમના ઘર પાસે મોટી પવનચક્કી મારફતે લોટ દળવાની ઘંટી ચાલતી જોઈ. એના પરથી મને નાનકડી પવનચક્કી બનાવી નાખી. એનાપંખા પર એ ઉંદરને મૂકી દેતો અને ઉંદરના ચલાવના ભારથી ચક્કર ઘુમવા લાગ્યું. પાણીથી ચાલનારી ઘડિયાળ પણ એમણે આજ રીતે બનાવેલી, એ પછી સૂર્યઘડી પણ બનાવી. મકરસંક્રાંતિ પર પતંગની દોરી સાથે કાગળનું ફાનસ આજે આપણે ઉડાડીએ છીએ એનો પહેલો વહેલો પ્રયોગ ન્યુટને કરેલો. જીવનમાં આવેલા એ પરિવર્તનને કારણે નવું જાણવાની, જોવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની એમની તાલાવેલી વધતી જ રહી અને નાનપણના એ સંસ્કારબીજ આગળ જતા ખુબજ ફૂલ્યા ફાલ્યા અને મહાન વિજ્ઞાની તરીકે એ પંકાયા. જગવિખ્યાત વિજ્ઞાની બન્યા છતાંય એમનામાં નમ્રતા ભારોભાર હતી. અનેક મોટી શોધના શોધક બન્યા છતાં એતો એમાજ કહેતો કે, હું તો  હજી સાગરકાંઠે છીપલાં વીણતો અબુધ બાળક જ છું !
સાર :- દરેકના જીવનમાં પરિવર્તનની કોઈ ને કોઈ પળ તો આવતી જ હોય છે. આ પળે જે જાગી જાય છે. અને કોઈ ચોક્કસ દિશા પકડી લે છે તો એમના વિકાસને કોઈ રોકી શકતું નથી.


પોતાની જાત ને બદલો

                                 એક સમયની વાત છે, એક વિશાળ સામ્રાજ્યનો રાજા પોતાના મહેલ થી દુર એક ગ્રામીણ વિસ્તારના પ્રવાસે જાય છે, આ વિસ્તાર તેના મહેલથી ખુબ દુર હતો.  જયારે તે પ્રવાસેથી પાછો પોતાના મહેલ પર ફરે છે ત્યારે તે ફરિયાદ કરે છે કે પોતાના પગ પર ફોલ્લા પડી ગયા છે અને પગ પણ ખુબ દુખે છે. રાજા પહેલીજ વાર આટલા દુર સુધી પ્રવાસે ગયો હતો.અને રસ્તો પણ ખુબ નિર્જન અને પથરાળ હતો.  તે પોતાના સૈનિકોને હુકમ કરે છે કે આપના રાજ્યના તમામ રસ્તાઓને ચામડાથી મઢી દો, જેથી ફરીવાર આવું ના બને. આ સંભાળીને સિપાહીઓ એક બીજાના મોઢા જોવા લાગે છે, કારણકે એતો સીધી વાત છે કે આમ કરવા માટે ખુબ બધા પ્રાણીઓના ચામડાની જરૂર પડે, અને પૈસા પણ પુષ્કળ જોઈએ. ત્યારે તેનો એક વફાદાર સૈનિક હિંમત કરીને કહે છે કે મહારાજ, શા માટે તમે આટલો બધો વણજોઈતો ખર્ચ કરવો છો, તમે એક નાનો ચામડાનો કટકો લઈને તમારા પગને કેમ નથી ઢાંકી દેતા?  રાજા આશ્ચર્યચકિત થઇ જાય છે, અને થોડા સમય પછી સૈનિકની કીમતી સલાહનું પણ અનુસરણ કરે છે. અને પોતાના પગ માટે બુટ બનાવી લે છે.   
સાર  :- જીવન જીવવા માટે સારા જગતનું નિર્માણ કરવું હોય તો પોતાની જાતને, પોતાના મન અને વિચારને બદલો   દુનિયા આપો આપ બદલાઈ જશે.



સફળતામાં નમ્રતા અને નિષ્ફળમાં ધીરજ રાખો
                               અંધારી રાતની નીરવ શાંતિમાં તળાવના કિનારે રહેતા એક વૃદ્ધે એક યુવાનને ઝડપથી તળાવ તરફ જતો જોયો. વૃદ્ધને ખ્યાલ આવી ગયો કે યુવાન મધરાતના આવા સમયે કોઈ જુવે, બચાવે  એ પહેલા આત્મહત્યા કરવા ઈચ્છતો હતો.
ઝડપભેર તળાવ તરફ જતા યુવાનને વૃદ્ધે બુમ પાડીને કહ્યું, "હે યુવાન ! થોડીવાર માટે થંભી જા. મારે તારું કામ છે."
 યુવાન થંભી ગયો. વૃદ્ધે નજીક આવીને પૂછ્યું,  " ભાઈ, હું તારા ઈરાદામાં કોઈ અવરોધ ઉભો કરવા નથી માંગતો. મારેતો બસ એટલુજ જાણવું છે કે એવું તે શું બની ગયું છે કે તું જીવનનો અંત આણવા માંગે છે? "
યુવાન કહે: " હું પરીક્ષામાં નાપાસ થયો છું. જીવન અકારું લાગે છે. ક્યાય ચેન પડતું નથી. પરિસ્થિતિથી તંગ આવી ગયો છું. "
 વૃદ્ધે સહાનુભુતિ દાખવતા કહ્યું: " તારી વાત તો સાચી છે. આવું જીવનતો ઝેર જેવું લાગે, ખરું ને? "
યુવાન કહે : "હા, એટલેજ આત્મહત્યા કરવા નીકળ્યો છું. બધી ઝંઝટમાંથી છુટકારો થઇ જાય. પાસ-નાપાસનો સવાલેય નહિ જાગે."
 વૃદ્ધ કહે : " પણ તે એ વિચાર્યું કે આત્મહત્યાથી  કઈ બધા દુખોનો અંત નથી આવી જતો. આત્મહત્યા પછી ફરી તારો જન્મ થશે, એકડે એક થી અભ્યાસ કરવો પડશે. એની સામે અત્યારેતો તે જેટલા ધોરણ પાસ કર્યા છે એનાથીજ આગળ વધવાનું રહેશે."
 વૃદ્ધાની વાત સાંભળી યુવાને આત્મહત્યાનો વિચાર પડતો મુક્યો. અને ચુપચાપ ઘર ભણી વળ્યો.
સાર :-  જિંદગીનો ક્રમ એવો છે કે એમાં ચડાવ-ઉતાર તો આવ્યા જ કરવાના. સફળતા મળે ત્યારે નમ્રતા દાખવીએ અને નિષ્ફળ જઈએ ત્યારે ધીરજપૂર્વક એમાંથી બહાર આવવાના સભાન પ્રયત્નો કરીએ એમાજ આપણા મહામુલા જીવનની સાર્થકતા સમાયેલી છે.


વાસ્તવિકતા સ્વીકારો અને આત્મવિશ્વાસ વધારો
                                                                 

                                                                   ઓલિવર ક્રોમવેલ પોતાના અભૂતપૂર્વ સાહસ અને બહાદુરી માટે વિખ્યાત હતો. પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલીથી ભરેલી હોય, તો પણ તેઓ તેની સાથે લડવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. આને લીધે આખા યુરોપિય સમાજમાં તેમને લોકો માનથી જોતાં અને મળવા માટે લોકો દૂર દૂરથી આવતા હતા. માતાઓ પણ બાળકોને ઓલિવરની બહાદુરીના પ્રસંગો સંભળાવી તેમના જેવા બનવાની પ્રેરણા આપતી હતી. એક દિવસ ઓલિવરની બહાદુરીથી પ્રભાવિત થઈને એક ચિત્રકાર તેમની પાસે આવ્યો અને તેમનું ચિત્ર   બનાવવાની ઈચ્છા પ્રગટ કરી.
                
                ઓલિવરે તેને પોતાનું ચિત્ર બનાવવાની રજા આપી. ચિત્રકાર ઘણો રાજી થયો. પરંતુ એક મુશ્કેલી તેને તેમાં દેખાઈ. ઓલિવર ઘણો સાહસિક અને બહાદુર હતો સાથે એટલો કુરૂપ પણ દેખાતો હતો.  તેના ચહેરા પર એક મોટો મસો હતો. જેને લીધે તે ઘણો ખરાબ દેખાતો હતો. ચિત્રકારે ઓલિવરના ચિત્રમાં મસાને ન દોર્યો. જેને લીધે ચિત્ર ઘણું સુંદર બન્યું. ચિત્રકાર જ્યારે ઓલિવર પાસે આ ચિત્ર લઈને પહોંચ્યો ત્યારે ઓલિવરે તેને કહ્યુ કે, તમારી કલાકૃતિ ઘણી સુંદર છે, પરંતુ આ ચિત્ર મારું નથી.  ચિત્રકાર તેમનો ઈશારો સમજી ગયો. પછી તે મસા સાથેનું ઓલિવરનું ચિત્ર બનાવીને લાવ્યો. જેને જોઈને ઓલિવર ઘણો રાજી થયો અને કહ્યું કે, હા, આ ચિત્ર મારું છે. એટલે કે પોતાની શારીરિક અને માનસિક નબળાઈઓનો સ્વીકાર કરવાની તાકાત માણસની અંદર એવો આત્મવિશ્વાસ જગાવે છે કે, જે તેને તેની નબળાઈઓ હોવા છતાં પણ સફળ બનાવે છે.
સાર :- વાસ્તવિકતા સ્વીકારવાની તાકાત રાખો, ,,  તે તમારી અંદરના આત્મવિશ્વાસમાં વધારો કરે છે.




શબ્દોની તાકાત
                      દેડકાની ટોળી ચાલી જતી હતી, શિસ્તમાં ચાલવું એવો નિયમ, બે દેડકાઓએ નિયમનો ભંગ કર્યો બંને એક ખાડામાં પડી ગયા. ટોળીના બાકીના દેડકો એ ખાડાની ફરતે ઉભારહી ગયા. જોયું તો ખાડો ઉંડો હતો, એમ છતાં ખાડાની અંદર પડી ગયેલા દેડકો બહાર આવવા માટે કુદાકુદ કરતા હતા.  બહાર ઉભેલા દેડકાઓને લાગતું હતું કે દેડકા જેવા જીવ માટે એ ખાડો ખુબ ઊંડો હતો.  ગમે તેટલી મહેનત કરે તો પણ તેમાંથી બહાર આવવું વ્યર્થ હતું. આ દરમિયાન પેલા બંને દેડકા તો કુદકા મારી બહાર આવવાની કોશિશ કરતા જ હતા. આ જોઇને બાકીના દેડકા એને કહેવા લાગ્યા: "ખાડો ખુબ ઊંડો છે. તમે બહાર નહિ નીકળી શકો. નકામી મહેનત કરવાનું છોડો. શાંતિથી એક ખૂણામાં બેસો અને મૃત્યુના શરણે જાઓ." એક દેડકો આ શબ્દો સાંભળી ગયો. એને પ્રયત્નો છોડી દીધા. ચુપચાપ મૃત્યુની રાહ જોવા લાગ્યો, પણ બીજાએ તો જીવ ઉપર આવીને કુદકા મારવાનું ચાલુ જ રાખ્યું. થાકી ગયો, હાંફી ગયો પણ એને પ્રયત્નો ચાલુ રાખ્યા. અંતે એક વાર એવું જોર લગાવ્યું કે એ ખાડાની બહાર આવી ગયો. બધા દેડકાને નવી લાગી અને કહેવા લાગ્યા: "અમે તો તને છલાંગ લગાવવાની ના પડતા હતા તો પણ તે શું વિચારીને પ્રયત્નો ચાલુ રાખ્યા?" પેલો દેડકો કહે: 'હૂ તો સાંભળતો  જ નહોતો. મને તો એમ કે ખાડા ફરતે ઉભારહી બહાર આવી જવા માટે તમે મને પાનો ચડાવતા હશો. બસ, એમ માનીને મેં છલાંગો લગાવવાનું ચાલુ રાખ્યું.'
સાર :-  શબ્દોની તાકાતમાં જીવન અને મૃત્યુ સમાયેલા છે. કડવા, હતાશ કરી મુકતા શબ્દો ના માત્ર બીજાના દિલને ઠેસ પહોચાડે છે, પરંતુ નિરાશા અને મૃત્યુના કારણ પણ બની શકે છે. બીજી બાજુ મીઠા પ્રોત્સાહક શબ્દો બીજાને ઉંચે આવવામાં અને પ્રયત્નમાં પાછી પાની નહિ કરવાનું બળ બની શકે છે.
બહાનાબાજી છોડો

          બહાનાબાજી એટલે કસુર કે દોષની ગંભીરતા ઓછી કરવા માટે કારણ દર્શાવવું, જવાબદારીમાંથી છટકવા માટે પેતરાં રચવા, પોતાના કૃત્યોના બચાવ માંતેસચી-ખોટી દલીલો કરવી.
 બહાનાબાજી માટે મોટી કીમત ચૂકવવી પડે છે.જ્યોર્જ વોશિંન્ગટને કહ્યું છે : " ૯૯ ટકા નિષ્ફળતા એવા લોકોના જીવનમાં આવે છે, જેમને બહાના બનાવવાની ટેવ હોય છે."                
                        બે પડોશીઓની આ વાત છે, બન્નેએ પોતાના બંગલાના આંગણામાં સુંદર મજાના બગીચા બનાવ્યા હતા. એક દિવસ એક પાડોશી બીજાને ત્યાં ઘાસ કાપવાનું મશીન થોડીવાર વાપરવા લઇ આવવા માટે ગયો. બીજા પડોશીએ કહ્યું : " હું તમને ઘાસ કાપવાનું મશીન આપી શકીશ નહિ, કારણકે મુંબઈ થી બેંગ્લોરની બધીજ વિમાની સેવા આજે રદ થઇ છે."પહેલા પડોશીએ નવાઇ સાથે પૂછ્યું: " મુંબઈ થી બેંગ્લોરની વિમાની સેવા રદ થવાને અને ઘાસ કાપવાનું મશીન મને આપવાને શું લાગે વળગે? "
     બીજો પડોશી કહે: " આમ તો એ બન્ને વચ્ચે કંઈ લાગતું વળગતું નથી, પરંતુ મારું ઘાસ કાપવાનું મશીન હું તમને આપવા માંગતો નથી એટલે મારે કોઈ બહાનું તો બતાવવું પડે ને ?"
રમુજ ને બાજુમાં રાખીએ તો પણ ઉપરની વાત સોએ સો ટકા સાચી છે. કોઈ પણ બહાનું એટલે બીજું કશુ જ નહિ, પરંતુ જવાબદારી સ્વીકારવાનો ઇનકાર જ છે.
      નિષ્ફળતા સંતાડવા માટે કરવામાં આવતી બહાનાબાજી લાંબો સમય ટકતી નથી. બહાનું બતાવવાથી તાત્કાલિક કદાચ રાહત મળી જાય, પણ વહેલા-મોડા એની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. નાણાંથી કિંમત ચૂકવવી પડતી હોય તો સમજ્યા કે પૈસા તો ફરીથી કમાઈ લેવાશે, પરંતુ અણદીઠી કિંમત જે આપણે ચૂકવવી પડે છે તે આપણને ભારે નુકસાન પહોચાડે છે. બહાનાબજીના આવા ભારે નુકસાન શું છે ?
સાર: -આપણા વિશે જે હકીકત છે એનો સામનો કરવાથી એ આપણને વંચિત રાખે છે.
 - આપણી ભૂલોને સુધારવાથી એ આપણને દુર રાખે છે.
-આપણી નબળાઈઓ દુર કરી, આપણા ચારિત્ર્ય અને પ્રતિભાની ખીલવાની કરવાથીએ    આપણને વંચિત રાખે છે.                                                    
 - માટે બહાનાબાજી છોડી વાસ્તવિકતાનો સ્વીકાર કરો સફળતા કદમ ચુમશે.



સફળતાનું ઝરણું
કહેવાય  છે  કે  પ્રત્યેક  નિષ્ફળતા  પણ  પોજીટીવ  થીંકીંગ  કરનાર  ને  સફળતાની  નજીક  લઇ  જાય  છે.
              વીજળી ના ગોળાની શોધ કરનાર થોમસ આલ્વા એડીસન  એક શોધની પાછળ દિવસ-રાત એક કરી રહ્યા હતા. સેંકડો પ્રયત્ન કરવા છતાં પણ પરિણામ મળતું ના હતું. સાથી વૈજ્ઞાનિકો થાકી-હારીને આ શોધ પડતી મુકવા માટે એડીસનને સમજાવી રહ્યા હતા. જો કે એડીસન ને પ્રયોગની સફળતા માટે શ્રદ્ધા હતી. સહાયક વિજ્ઞાનીઓ હતાશ થઈને કહેવા લાગ્યા કે આમ ને આમ તો જીંદગી પૂરી થઇ જશે, એના કરતા આપને હવે બીજી કોઈ શોધ પર ધ્યાન કેન્દ્રિત કરીએ, પણ એડીસન પોતાના વિચારોમાં અડગ હતા. સંશોધન પાછળના પ્રયાસ છોડી દેવા તે તૈયાર ના હતા.
           એક વાર તો અધીરા થયેલા સહાયકોએ એમને સ્પષ્ટપણે કહી દીધું કે તમે પાંચસો વાર હાર્યા છો. પાંચસો પ્રયોગોનું કોઈ પરિણામ નથી આવ્યું. હવે તમે આ પ્રયોગ કરવાનું નહિ છોડો તો અમે તમને છોડીને જતા રહીશું.... એડીસન એમને ઉતર આપતા કહે " ' અહી જ તમારી ભૂલ થાય છે. આપણે હાર્યા નથી. પ્રત્યેક નિષ્ફળ પ્રયોગ આપણને સફળતાની નજીક લાવી રહ્યો છે. આ સમયે તમે પ્રયાસ છોડી દેશો તો આપણે  નિષ્ફળ જવાના.  મને હવે સફળતા ડોકાઈ રહી હોય એમ લાગે છે ત્યારે જ તમે નિષ્ફળતા ભણી જાતે જ જી રહ્યા છો' અંતે સહાયકોએ મને-કમને એડીસનને સહાય કરવાનું ચાલુ રાખ્યું. યોગાનુયોગે બીજા પાંચ પ્રયોગકાર્યમાં જ પ્રયોગ સફળ નીવડ્યો અને એડીસન નું નામ થઇ ગયું.
સાર :- નિષ્ફળતામાંથી માણસ જીવનના મહત્વના પાઠ શીખે છે. જે નિષ્ફળતાથી ગભરાય છે, , હતાશ થાય છે એ વ્યક્તિ જીવનમાં ક્યારેય સફળ થતી નથી. જીંદગીમાં જે પામવા માટે પાંચસો બારણા ખટ ખટાવ્યા હોય  છે એજ બારણા ઘણી વાર ઉઘડવાની કે તુટવાની તૈયારીમાં હોય છે. ભૂતળમાંથી પાણી  કાઢવા પાંચસો ફૂટ ખોદાય કર્યા પછી  બીજા પાંચ ફૂટ માટે પાછા ના પડશો.
 કદાચ સફળતાનું ઝરણું એમાંથી પ્રગટે પણ ખરું!

પ્રસન્નતાનો અનુભવ

           એક પ્રખ્યાત સુફી સંત હતા. એની ખ્યાતી ચારે બાજુ ફેલાયેલી હતી. એક વખત એક માણસ સાધના શીખવા ગયો. એની માત્ર એટલીજ ઈચ્છા હતી કે એ એવું કંઈ સિદ્ધ કરે જેથી એ હમેશા પ્રસન્ન રહી શકે. એ માણસ સુફી સંત પાસે પહોચ્યો ત્યારે એણે જોયું કે એ સંત પાસે વાસની બનેલી એક નાનકડી છાબડી હતી અને એમાંથી એ દાણા લઇ ને પક્ષીઓને ખવડાવતા હતા.એ જોઇને સંતના મોં પર હરખ સમાતો ના હતો. આમ ઘણો સમય પસાર થઇ ગયો. સંતે પેલા માણસ તરફ કોઈ ધ્યાન ના આપ્યું. આથી પરેશાન થઈને એ પેલા સંતને કંઈક કહેવા જતો હતો ત્યાજ એને રોકીને સંતે પેલી દાણા ભરેલી છાબડી એને પકડાવી દીધી અને કહ્યું: 'હવે તું પક્ષીઓને ચણ નાખ અને  એના આનંદનો અનુભવ મેળવ' પેલો માણસ તો  વિચારવા લાગ્યો કે ક્યાં હું પ્રસન્નતા પ્રાપ્ત કરવાની સાધના જેવી ઉંચી વસ્તુ શીખવા અહી આવ્યો છું અને ક્યાં આ સંત મને પક્ષીઓને ચણ નાખવા જેવું મામુલી કામ સોપે છે. સુફી સંતે એના મનમાં ઘોળાતી વાત પકડી પાડી અને બોલ્યા, ખુદની મુશ્કેલીઓને ભૂલીને દરેક જીવને આનંદ પહોચાડવાનો પ્રયત્ન જ જીવન ની દરેક સિદ્ધિ અને પ્રસન્નતાનું રહસ્ય છે. જો તું સુખ અને પ્રસન્નતા પામવા માંગતો હોય તો બીજાને એજ આપવાનું શીખ. એજ તો ખરી સાધના છે. સુખ, પ્રસન્નતા, ખુશી, આનંદ આ બધા સાપેક્ષ શબ્દો છે. આથી એનો અનુભવ પણ સપેક્ષાના સંદર્ભમાં થાય. કોઈને હરાવીને જીતવાના આનંદમાં ભવિષ્યમાં કોઈ સામે હારી જવાનો ભય પણ સમાયેલો હોય છે. આથી સુખ અને પ્રસન્નતા ની બીજા સાથે વહેચણી કરવાથી એનો વિશેષ આનંદ થાય .

સાર :-- પ્રસન્નતા કોઈ ઉપર જીત મેળવીને મળે તેના કરતા કોઈને જીત અપાવીને વધુ મળે છે.

-સફળતા દ્વારા પ્રસન્નતા અને પ્રસન્નતા દ્વારા સફળતા મળે છે,. તે એક સિક્કાની બે બાજુ છે.



કુહાડીની ધાર
           સ્પર્શ, સ્વાદ, દષ્ટિ, ધ્રાણ(ગંધની પરખ) અને શ્રવણ. આ પાંચ ઇન્દ્રિય સાથે આપણે સૌ જનમ્યા  છીએ. પણ સફળ લોકો પાસે છઠ્ઠી ઇન્દ્રિય કોમનસેન્સ પણ હોય છે. ભણતર હોય કે ન હોય, કોમનસેન્સ કહેતા કોઠાસુજ. એ કેળવી શકાય છે. જો કે કોઠાસુજ પ્રેરતું ન હોય તેવું શિક્ષણ પણ નિરર્થક છે. કોઠા સુજ કેળવવાનું કુહાડીની ધાર સજાવવા બરાબર છે.
          એક કઠિયારો લાંબા અરસાથી એક શેઠને ત્યાં કામ કરતો હોવા છતાં એને પગારવધારો મળતો ન હતો. શેઠે બીજા કઠિયારાને કામે રાખ્યો. બીજે જ વર્ષે એને પગાર વધારો મળ્યો, આ જોઇને પહેલા કઠિયારાને કદી પગાર વધારો નહિ મળ્યાની ફરિયાદ કરી.
 શેઠ કહે: " વર્ષોથી જેટલા ઝાડ તું કાપતો હતો એટલાજ ઝાડ તું આજેય કાપે છે.
 જો તું વધારે ઝાડ કાપી લાવ તો તનેય પગાર વધારો મળે" .
    જુના કઠિયારાને તો જાણે દિશા મળી ગઈ. ધડાધડ ઝાડ કાપવા લાગ્યો. કામના કલાક વધારી દીધા. પણ એથી એની ઝાડ કાપવાની સંખ્યામાં વધારો ન થયો. આથી એને શેઠ પાસે જઈને પોતાની વ્યથા રજુ કરી. નવો કઠિયારો શા માટે વધારે ઝાડ કાપી શકતો હતો એનું રહસ્ય જાણવા શેઠે એને નવા કઠિયારા પાસે મોકલ્યો.
 નવો કઠિયારો કહે: " દરેક વખતે જયારે હું એક ઝાડ કાપી લઉં છું પછી બે મિનીટ માટે વિરામ લઇ મારી કુહાડીની ધાર સજાવી લઉં છું. તે તારી કુહાડીની ધાર છેલ્લે ક્યારે સજાવેલી?"
 આ સવાલ જુના કઠિયારાને બરાબર કાળજે લાગી ગયો અને એને પોતાનો જવાબ મળી ગયો." 
સાર :-
 તમે છેલ્લે ક્યારે કુહાડીની ધાર સજાવેલી ? ભૂતકાળ નો ભવ્ય વારસો વાગોળ્યા કરવાથી અને ફક્ત પુસ્તકિયા શિક્ષણથી આ કામ થઇ શકે નહિ. જે ચીજ જેવી છે એવીજ દેખાય અને જે રીતે થવી જોઈએ એજ રીતે થાય એવી કોઠાસુજ રૂપી કુહાડીની ધાર આપણે સતતપણે સજાવવાની રહે છે.