Powered By Blogger

સોમવાર, 30 એપ્રિલ, 2012

વર્ણવ્‍યવસ્‍થા, કાર્ય અને સાધન

વર્ણવ્‍યવસ્‍થા, કાર્ય અને સાધન
બ્રાહ્મણ : વિદ્યા ભણવી, ભણાવવી, યજ્ઞ કરવો, કરાવવો, કથા, કર્મકાંડ : પંચાંગ
પટેલ : ખેતી, ઢોરઉછેર, ધરતીમાંથી ધાન્‍ય પેદા કરવાનું કામ : હળ, ખેતીનાં ઓજાર
વાણિયો : વેપાર, વ્‍યાજવટાવ, સદાવ્રતોનો વહીવટ : ત્રાજવાં, કાટલાં
સુથાર : લાકડાની બનાવટો, મકાન, બારીબારણાં, ફર્નિચર : વાંસલો-ફરસી
લુહાર : લોખંડનાં ખેતીના ઓજાર, જાળી-ઝાંપા, હથિયારો : ધમણ, હથોડો
સોની : સોના ચાંદીના દાગીના બનાવવા, મીના કારીગરી કરવી : એરણ, હથોડી
સાળવી : કુદરતી અને કૃત્રિમ રેસામાંથી શાળથી કાપડ વણવું : શાળ, શટલ
કંસારા : ધાતુ ઓગાળવી, નવાં વાસણ બનાવવાં : એરણ, હથોડી, ભઠ્ઠા
દરજી : સુતર, ઊન વગેરે કાપડનું જાતજાતનું સિલાઈકામ : સોય, કાતર
કડિયો : માટી, સિમેન્‍ટ, ચૂનામાં ચણતર, પ્‍લાસ્‍ટર, મકાનો બનાવવાં : ઓળંબો
તરગાળા : ભવાઈવેશ, નાટક, રામલીલા કરવાં : ભૂંગળ
કુંભાર : માટીમાંથી જાતજાતના ઘાટનાં વાસણો બનાવી પકવવાં : ચાકડો, ટપલું
નાઈ (વાણંદ) : ગામની સુખાકારી સાચવવી, સારા માઠા પ્રસંગે સેવા : હજામત, અસ્‍ત્રો
મોચી : મરેલ ઢોરનાં ચામડામાંથી ખેતીનાં સાધનો, ખાસડાં બનાવવાં : નખલી
ઘાંચી : તેલીબિયાંમાંથી (ઘાણીમાં પીસીને) તેલ કાઢવાનું કામ :બળદની ઘાણી
ધોબી : કપડાં અને કાપડ ધોવાનું, સુઘડ અને સ્‍વચ્‍છ રીતે રાખવાનું : પાણી, કુંડ
માળી : ફૂલછોડ અને ફળોની વાડીઓ ઉછેરવાનું ફૂલના હાર બનાવવાનું
રાવળ : ગધેડાં, ઊંટ ઉપયોગાર્થે પાળવાં, ઢોલ વગાડવો : ઢોલ ત્રાંસા, શરણાઈ
વાઘરી : તળાવડામાં વાડી કરી શાકભાજી પૂરી પાડવી, મરઘાં બતકાં ઉછેરવાં
રાજપૂત : સમાજના રક્ષણની જવાબદારી એમની છે : તલવાર, ઢાલ, ભાલો
રબારી : ઘેટાં, બકરાં, ગાય વગેરે ઢોર ઉછેરવાં : દોરડું, દેઘડું
હરિજન : હાથવણાટ અને ચામડાંને કેળવવાનું કામ : શાળ
ઠાકરડા : રાજપૂતને પૂરક આ જ્ઞાતિ છે. હવે ખેતીકામ તરફ ધ્‍યાન દોર્યું છે.
સલાટ : પથ્‍થરને કોતરી મૂર્તિ, ઇમારતો બનાવવી : ટાંકણું, હથોડો
પિંજારા : રૂ પીંજીને ગાદલાં, રજાઈ બનાવવાં : પિંજણ
તપોધન : દેવમંદિરોમાં પૂજાકામ અને કડિયાકામ

રવિવાર, 29 એપ્રિલ, 2012

આપણા ગુજરાતમાં સૌથી મોટુ શું છે ?


  • આપણા ગુજરાતમાં સૌથી મોટુ શું છે ?

  • જિલ્લો (વિસ્તાર):-કચ્છ, વિસ્તાર: ૪૫,૬૫૨ ચો .કિ.મિ.જિલ્લો
  • (વસતી):-અમદાવાદ, વસતી, ૫૮,૦૮,૩૭૮ 
  • પુલ:-ગોલ્ડન બ્રિજ (ભરૂચ પાસે નર્મદા નદી પર),લંબાઇ: ૧૪૩૦ મીટર
  •  મહેલ:-લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા 
  •   ઔધ્યોગિક સંસ્થા:-રિલાયન્સ
  •   ડેરી:-અમુલ ડેરી, આણંદ
  •   નદી:-નર્મદા 
  •  યુનિવર્સીટી:-ગુજરાત યુનિવર્સિટી
  •   સિંચાઇ યૉજના:-સરદાર સરોવર
  •   બંદર:-કંડલા હૉસ્પિટલ:-સિવિલ
  •    હોસ્પિટલ, અમદાવાદ
  •    શહેર:-અમદાવાદ 
  •    રેલવે સ્ટેશન:-અમદાવાદ
  •     સરોવર:-નળ સરોવર (૧૮૬ ચો .કિમિ)
  •     સંગ્રહસ્થાન:-બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
  •    પુસ્તકાલય:-સેન્ટ્રલ લાઇબ્રેરી, વડોદરા
  •    દરિયાકિનારો:-જામનગર, ૩૫૪ કિમિ
  •    લાંબી નદી:-સાબરમતી, ૩૨૦ કિમિ
  •    ઊંચુ પર્વતશિખર:-ગોરખનાથ (દત્તાત્રેય)ગિરનાર,ઊચાઇ ૧,૧૭૨ મીટર
  •    વધુ મંદિરો વાળુ શહેર:-પાલીતાણા, ૮૬૩ જૈન દેરાસરોમોટી
  •    પ્રકાશન સંસ્થા:-નવનીત પ્રકાશન 
  •   મોટુ ખાતર કારખાનુ:-ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ.,ગામઃ ચાવજપો. નર્મદાનગર, ભરૂચ જિલ્લો 
  •    ખેત ઉત્પાદન બજાર:-ઊંઝા, મેહસાણા જિલ્લો 

અકબર અને બીરબલની વાર્તાઓ

અકબર અને બીરબલ
                              બીરબલે તાનસેનનાં કાનમાં કાંઇક કહ્યું, એટલે તાનસેન શાંત થયો. એનામાં થોડીક હિંમત આવી. સિપાઇઓ બંન્ને સીળી પાસે લઇ ગયાં. ત્યાં બિરબલ એકદમ આગળ આવીને જલ્લાદને કહ્યું કે પહેલા મને સૂળી ચડાવો. તાનસેને કહ્યું ના પહેલા મને સૂળીએ ચડાવો. વાત વધી ગઇ. બેય રકઝક કરવા લાગ્યાં. જલ્લાદને નવાઇ લાગી એણે બાદશાહને આ ખબર પહોંચાડી. બાદશાહે બંન્ને 'દરબારમાં પાછા બાલાવ્યાં. તમે બંન્ને કે મરવા માટે ઝઘડો છો.? બીરબલ કહે કે એ કાયં કહી શકાય એવીં નથી. મને પહેલા શૂળીએ ચડાવી 'દો. બાદશાહ કહે હવે તો કારણ જાણીયા વિના હું તમને શૂળીએ ચડાવી ન શકું. બીરબલ કહે કે અમારા બાદશાહને તમારૂ રાજય જીતવું છે તમે પવિત્ર માણસ છો એટલે તેઓ તેમાં સફળ થતાં નથી. એમના ગુરૂએ જ કહ્યું છે કે જો ઇરાનનાં બાદશાહને હાથે બે નિર્દોંષ માણસોની હત્યાં થાય તો જ તમને ઇરાન ઉપર જીત મેળવી શકશો. આથી અમને બંન્નેને બાદશાહે તમારી પાસે મોકલ્યાં છે. બાદશાહે કહ્યું હવે હું આ વાત સમજયો, પણ તમે બંન્ને જણા પાછા એકબીજા કરતા પહેલા મરવા માટે કેમ ઝઘડો છો. ? બીરબલે કહ્યું તમે બંન્ને નિર્દોંષ છો. તેથી તમારા માંથી જે પહેલો મરશે તે બીજા જન્મમાં રાજા થશે, જે બીજો મરશે તે તેનો વજીર થશે. મારે રાજા જ થવું છે એટલે તમે મને પહેલા શૂળીએ ચડાવી 'દો. ઇરાનનાં બાદશાહે કહ્યું હું શા માટે બે નિર્દોંષ માણસોની હત્યાં કરું. હું તમને હુકમ કરું છુ કે તમે અત્યારે ને અત્યારે તમારા વતનમાં પાછા ચાલ્યા જાઓ.
                           તાનસેન અને બીરબલ અકબર પાસે જીવતા પાછા આવી ગયા, એટલે અકબર કઇંક બોલે એ પહેલાં તાનસેન બોલ્યો જહાંપનાહ ! વજીરનાં પદ માટે તો બીરબલ જ લાયક છે. તમે તેને જ વજીર બનાવો. મારે વજીર થવું નથી. પછી જયાંરે તાનસેને બઘી વાત કરી ત્યારે અકબર ઊઠીને બીરબલને ભેટી પડયો. ત્યારે બઘા દરબારીઓ જોઇ રહ્યાં.

અકબર અને બીરબલ


                                   એક વાર બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે ટોળટપ્પાં કરતા હતા. એ જ વખતે એક દરવાન દરબારમાં પ્રવેશ્યો. તેણે કહ્યું, ‘જહાંપનાહ, કોઈ પરદેશી કલાકાર તમને મળવા માગે છે.’
                 બાદશાહે તેને આવવાની મંજૂરી આપી. થોડી વારમાં જ એક વ્યકિતએ દરબારમાં પગ મૂકયો. તેની પાસે એક મોટું પીંજરું હતું અને પીંજરામાં સિંહ હતો. દરબારીઓને પણ એ જોઈને નવાઈ લાગી.
              કલાકારે કહ્યું, ‘જહાંપનાહ, મેં તમારા ખૂબ જ વખાણ સાંભળ્યા છે. તમારા દરબારમાં પંડિતો, વિદ્વાનો છે. નવ રત્નો છે. પણ હું એ બધાને પડકારું છું કે પીંજરું ખોલ્યા વગર અને સિંહને અડયા વગર એનો નાશ કરનાર કોઈ ખડતલ, સાહસકિ માણસ તમારા દરબારમાં છે?
             જે માણસ મારા કહ્યા પ્રમાણે કરી બતાવશે તેને હું પાંચસો સોનામહોર આપીશ, પણ જો તે નિષ્ફળ જશે તો એણે મને પાંચસો સોનામહોર આપવી પડશે.’
        કલાકારની વાત સાંભળી આખો દરબાર વિચારમાં પડી ગયો. ખુદ બાદશાહ અકબર પણ ચોંકી ગયા, ‘આવું તો કેમ બને?’
          એક-એક કરીને દરબારીઓ પીંજરા પાસે આવ્યા પણ બધાને નિષ્ફળતા સાંપડી. બાદશાહને પણ થયું કે તેમની આબરુ આજે કોઈ નહીં બચાવી શકે.
છેવટે બીરબલે તે કલાકારને કહ્યું, ‘હું આ કામ કરી બતાવીશ.’ એમ કહી બીરબલે સેવકોને બોલાવ્યા અને સૂકાં લાકડાં લાવવા માટે કહ્યું. લાકડા મંગાવીને પીંજરાની આજુબાજુ ગોઠવી દીધા.
                      ત્યાર પછી બીરબલે કહ્યું, હવે આ લાકડા સળગાવો. સેવકોએ લાકડા સળગાવ્યા કે તરત જ બળવા માંડયા. લાકડા બળતા ગયા એમ એનો તાપ પણ સખત વધતો ગયો અને સિંહ પણ અદ્દશ્ય થવા માંડયો. થોડી જ વારમાં પીંજરું ખાલી થઈ ગયું. બાદશાહ અકબર અને દરબારીઓની નવાઈનો પાર ન રહ્યો.
બાદશાહે પૂછ્યું, ‘બીરબલ, તેં આ કેવી રીતે કર્યું?’તો બીરબલે કહ્યું, ‘જહાંપનાહ, સિંહ મીણનો બનાવેલો હતો. તેથી મેં લાકડા મંગાવ્યા અને આગ લગાવડાવી. જેના કારણે મીણ ઓગળવા માંડયું. આમ, હાથ લગાડયા વગર જ સિંહનો નાશ થયો.’
             કલાકારે બીરબલને કહ્યું, ‘હું ઘણા રાજયોમાં સિંહ લઈને ફર્યોહતો, પણ તમારા જેવા બુદ્ધિશાળી કોઈ ન મળ્યા. શરત પ્રમાણે લો આ પાંચસો સોનામહોરો.’બીરબલે કલાકારની કલાની કદર કરી અને સોનમહોરની થેલી તેને પાછી સોંપી. બાદશાહ અકબરે પણ પ્રસન્ન થઈ કલાકારને પાંચસો સોનામહોર આપી.

અકબર બીરબલ

                          એક વાર એક વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે બીરબલ પાસે જઈને બીરબલને કહ્યું, ‘મારા પુત્રએ વીસ વર્ષ સુધી શાહી ફોજમાં રાજયની સેવા કરી, પણ હવે એ આ દુનિયામાં નથી. અમે બે સ્ત્રીઓ તદ્દન નિરાધાર બની ગઇ છીએ. અમારી પાસે આવક નથી.’
                        તેમની વાત સાંભળી બીરબલે કહ્યું, ‘તમારા દુ:ખને હું સમજી શકું છું. બાદશાહ અકબર દયાળુ છે. એ તમારી મદદ કરશે. હું તમને કહું એમ તમે કરશો તો તમારું કામ થઈ જશે.’બીજા દિવસે દરબાર ભરાયો. વૃદ્ધ સ્ત્રી પોતાની પુત્રવધુ સાથે દરબારમાં હાજર થઈ. તેણે કહ્યું, ‘જહાંપનાહ! મારા પુત્રની આ તલવારે અનેક યુદ્ધો જીતાડયા છે. હવે એ હયાત નથી તો આપ આ તલવારને તમારા શસ્ત્રાગારમાં જગ્યા આપો.’બાદશાહે તલવાર જોઈને કહ્યું, ‘આ કાટ ખાધેલી સાવ જૂની તલવાર અમારા કંઈ જ કામની નથી.’ વળી, બાદશાહે તેમના એક સેવકને હુકમ આપ્યો, ‘આ તલવાર એને પાછી આપી દો. સાથે પાંચ સોનામહોર પણ આપો’. બાદશાહનું એવું વર્તન જોઈને બીરબલને નવાઈ લાગી. માત્ર પાંચ સોનામહોર!
                        બીરબલે બાદશાહ અકબરને કહ્યું, ‘જહાંપનાહ! શું એ તલવારનું હું નિરીક્ષણ કરી શકું?’ બાદશાહ અકબરે કહ્યું, ‘હા, બીરબલ તું પણ નિરીક્ષણ કરી લે.’ બીરબલે તલવાર હાથમાં લીધી અને ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવા લાગ્યો. ઘડીકમાં આમ ફેરવતો, તો ઘડીકમાં નીચેની બાજુ જોતો, તો ઘડીકમાં તલવારની મુઠ જોતો.
                            બાદશાહ પણ બીરબલની આ હરકત જોઇ વિચારમાં પડયા. છેવટે ન રહેવાતા પૂછ્યું, ‘શું થયું બીરબલ?’ ‘કંઈ નહીં જહાંપનાહ! જો કે મને વિશ્વાસ હતો કે તલવાર સોનાની બની જશે.’ ‘હેં, શું કહ્યું… સોનાની?’ બાદશાહને બીરબલની વાતથી નવાઇ લાગી.‘હા જહાંપનાહ! એક પારસ જે માત્ર એક પથ્થર હોય છે, તેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય છે. તો આપના જેવા પરોપકારી બાદશાહના હાથનો સ્પર્શ પામ્યા પછી પણ…’ બીરબલે જાણી જોઇને વાકય અધૂરું છોડયું.બાદશાહ બીરબલની વાતથી બેચેન બની ગયા. તેમણે કહ્યું, ‘જે કહેવું હોય તે સ્પષ્ટ કહે.’ બીરબલે કહ્યું, ‘સામાન્ય પથ્થરમાં અને પારસમાં આ જ ભેદ હોય છે. બંને પથ્થર એકના સ્પર્શથી સોનું બને તો બીજાનો સ્પર્શ ઇજા કરે. મદદ માટે આવેલી આ સ્ત્રીઓ ખુશ થવાને બદલે દુ:ખી થઈ ગઈ.’
                          અકબર બાદશાહ બીરબલના કહેવાનો ભાવાર્થ તરત સમજી ગયા. તેમને થોડી શરમ પણ ઊપજી. તેમણે એ જ વખતે હુકમ કર્યો, ‘આ સ્ત્રીને તલવારના વજન બરાબર સોનામહોરો આપવામાં આવે અને જીવે ત્યાં સુધી તેમને ખરચા-પાણી આપવામાં આવે.’ તરત જ હુકમનું પાલન કરવામાં આવ્યું.આમ બીરબલે ચતુરાઇથી વૃદ્ધ સ્ત્રી અને તેની પુત્રવધુને આજીવિકાનું સાધન કરાવી આપ્યું. બંને સ્ત્રીઓ બાદશાહ અકબર અને બીરબલને દુવાઓ આપતી ઘરે ગઇ.

બાદશાહ અકબરના પાંચ સવાલ


                      બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો.
                        એક દિવસ બાદશાહ અકબર દરબારમાં બેઠા હતા. બધા દરબારીઓ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ તેમના પ્રિય રત્ન બીરબલ હજી સુધી દરબારમાં આવ્યા ન હતા. અત્યંત મહત્વપૂર્ણ એવી દરબારી કાર્યો પર ચર્ચા ચાલી રહી હતી કે અચાનક અકબરને ન જાણે શું થયું, તેમણે દરબારીઓને પાંચ પ્રશ્નો કર્યા - "કયું ફૂલ સૌથી સારું છે?, કયું પાનું સૌથી ઉપયોગી છે?, કોનું દૂધ સૌથી ઉત્તમ છે?, મીઠી વસ્તુઓમાં સૌથી સારું શું છે? તથા સૌથી શ્રેષ્ઠ રાજા કોણ છે?"
 
                    અકબરના આ સવાલોના જવાબોમાં બધા દરબારીઓનો મત અલગ-અલગ હતો, પરંતુ પાંચમાં સવાલના જવાબમાં બધા દરબારીઓએ બાદશાહ અકબરને જ સૌથી શ્રેષ્ઠ રાજા બતાવ્યાં. તેમ છતાંય અકબર આ જવાબોથી સંતુષ્ટ નહીં થયા. એમને વિશ્વાસ હતો કે આ બધા પ્રશ્નોના સાચા ઉત્તરતો ફક્ત એક બીરબલ જ આપી શકે.
                        થોડી જ વારમાં બીરબલ દરબારમાં ઉપસ્થિત થયા અને બાદશાહને સલામ કરીને પોતાના સ્થાન ઉપર બેસી ગયા. બાદશાહ અકબરે ઉપરોક્ત પ્રશ્નો ફરી કર્યા.
                     "બાદશાહ સલામત, આ તો ખૂબજ આસાન સવાલો છે." - બીરબલે કહ્યું. "સૌથી સારું ફૂલ કપાસનું છે કારણ કે તેનાથી આપણને તન ઢાંકવા માટે કપડા મળે છે. સૌથી ઉપયોગી પાનું લાલનું છે કારણ કે એનાથી દુશ્મનોને દોસ્ત બનાવી શકાય છે. માઁનું દૂધ સૌથી ઉત્તમ છે કારણ કે એનાથી શિશુને પોષણ મળે છે. મીઠાશમાં સૌથી સારી વાણી છે કારણ કે મીઠુ બોલવાથી જ આ દુનિયામાં ઇજ્જત થાય છે અને રાજાઓમાં સૌથી શ્રેષ્ઠ રાજા ઇન્દ્ર છે જેમના આદેશથી આ દુનિયા ચાલી રહી છે."
                      બાદશાહ અકબરને એમના સવાલોના જવાબ મળી ગયા હતા. તેઓ બીરબલની બુદ્ધિમતા પર ખુબજ પ્રસન્ન થયા. 
 
બીરબલની ખીચડી
 
                          એક દિવસ નગરમાં એક યુવાન હઠયોગી આવ્યો.તેનું શરીર ભારે કસાયેલું હતું.તે જાતજાતના શારીરિક કરતબ કરતો હતો.તે પ્રોત્સાહન મેળવવા માટે અકબર બાદશાહના દરબારમાં આવ્યો. તેણે બાદશાહને પોતાની આવડત વિશે જણાવ્યું.ત્યારે એક લુચ્ચા દરબારીએ કહ્યું,''એવા શારીરિક દાવપેચ તો કોઈપણ અભ્યાસુ કરી શકે.જો તું કંઈક નવું કરવા માગતો હો તો આ કડકડતી ઠંડીમાં ચોવીસ કલાક નદીમાં છાતી સુધી પાણીમાં ઊભો રહી શકે તો તું સાચો હઠયોગી!'' તેના જવાબમાં તે યુવાને કહ્યું,'' જો જહાંપનાહ,મને મંજૂરી આપે તો હું નદીમાં ચોવીસ કલાક ઊભો રહીશ. મને કોઈ તકલીફ નહીં પડે.''
                               અકબર બાદશાહે રજા આપી. તે યુવાન એવી કડકડતી ઠંડીના દિવસોમાં,છાતી સુધી પાણીમાં ચોવીસ કલાક ઊભો રહ્યો. લોકોએ તથા બાદશાહે પણ તે જોયું. ચોવીસ કલાક પૂરા થયા એટલે તે યુવાન ઈનામ મળવાની આશાએ ફરીથી દરબારમાં આવ્યો. ત્યારે અકબર બાદશાહે સહજ ભાવે પૂછયું,''યુવાન,તેં ખરેખર કમાલ કરી છે. દિવસના તો ઠીક પણ તેં આખી રાત કેવી રીતે પસાર કરી?''
 
                      ''અન્નદાતા. રાત્રે હું નદીમાં ઊભો ઊભો આપના મહેલમાં સળગતો દીવો જોતો રહ્યો અને મારી રાત કયારે પસાર થઈ ગઈ તે મને ખબર જ ન પડી!'' યુવાને આ જવાબ આપ્યો ત્યારે પેલા લુચ્ચા દરબારીએ કહ્યું, ''જહાંપનાહ, આ યુવાને તો કંઈ કમાલ નથી કરી. એ તો આપના મહેલના દીવા માંથી મળતી ગરમીને કારણે ઠંડીમાં રાત પસાર કરી શકયો છે.એ સાવ સામાન્ય વાત છે.''અકબર બાદશાહ પણ લુચ્ચા દરબારીની વાત માં આવી ગયા.તેમણે યુવાનને કંઈ પણ ઈનામ ન આપ્યું. યુવાન નિરાશ થઈ ચાલ્યો ગયો.આ બધું બન્યું ત્યારે બીરબલે ચૂપચાપ જોયા કર્યું. પરંતુ બીજા દિવસથી બીરબલે દરબારમાં આવવાનું બંધ કર્યું. બે-ત્રણ દિવસ થઈ ગયાં છતાં બીરબલ દરબારમાં ન આવ્યો એટલે અકબર બાદશાહે બીરબલને તેડાવવા માણસ મોકલ્યો. થોડીવાર પછી તે માણસ પાછો આવ્યો અને કહ્યું,'' જહાંપનાહ, બીરબલે કહ્યું કે હું ખીચડી બનાવું છું. જેવી મારી ખીચડી બની જાય,પછી તરત જ ખીચડી ખાઈને હું દરબારમાં આવીશ.''
 
      ફરી બે દિવસ થઈ ગયા છતાં બીરબલ દરબારમાં ન આવ્યો,એટલે બાદશાહે નોકરને ફરી બીરબલને બોલાવવા મોકલ્યો.નોકરે પાછા આવી કહ્યું,''જહાંપનાહ,બીરબલ કહે છે કે મારી ખીચડી હજી સુધી પાકી નથી. જયારે ખીચડી પાકી જશે ત્યારે હું તે ખાઈને દરબારમાં આવીશ.''
 
      આ જવાબ સાંભળી બાદશાહ વિચારમાં પડી ગયા.  થયું કે''લાવ હું જ જઈને જોઈ આવું કે બીરબલ કેવી ખીચડી બનાવે છે!''
 
      અકબર બાદશાહ દરબારીઓને લઈ બીરબલ જયાં બેઠો હતો ત્યાં ગયાં.ત્યાં જઈ તેમણે જોયું તો ત્રણ લાંબા વાંસની ઘાડી બનાવી બીરબલે વાંસની ઉપર ખીચડીની હાંડલી લટકાવી હતી અને નીચે જમીન ઉપર આગ સળગાવી હતી. આ જોઈ બાદશાહે કહ્યું,''આ શું ખેલ કરી રહ્યો છે! બીરબલ,અગ્નિથી આટલી અદ્ધર રાખીને ખીચડી કોઈ દિવસ પાકતી હશે?''
 
      ''હજૂર, જરૃર પાકી જશે.''બીરબલે કહ્યું.
      ''કેવી રીતે?'' બાદશાહે કહ્યું.
      ''જહાંપનાહ,જેવી રીતે મહેલમાં સળગતા દીવાની ગરમીથી દૂર નદીમાં ઊભેલો પહેલો હઠયોગી ઠંડી ઉડાડી રહ્યો હતો,તેમ આટલી અદ્ધર રાખેલી ખીચડી પણ પાકી થઈ જશે.''બીરબલે જવાબ આપ્યો. અકબર બાદશાહ બીરબલની આ દલીલ સાંભળી શરમાયા.
 
      બીજે દિવસે તેમણે પેલા હઠયોગીને તેડાવી તેને ઈનામ આપ્યું.
 
બેભાન સાક્ષી
 
                 એક બ્રાહ્મણ દિલ્લીમાં ફરવા આવ્યો હતો. એ દિલ્લીમાં કોઈને ઓળખતો ન હતો. એક વેપારીએ એના પર દયા કરીને એને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો.તેણે બ્રાહ્મણને જમાડયો અને રાત્રે સૂવા માટે એક ઓરડી આપી.
           દિલ્હીમાં ચોરોનો ત્રાસ ખૂબ હતો. અકબરના સિપાઈઓ રાત્રે આખા નગરમાં ફરીને ચોકી કરતા હતા. એમાંથી એક સિપાઈ પોતે જ ચોર હતો.તે રાત્રે નગરમાં ફરતાં ફરતાં નાની મોટી ચોરીઓ કરી લેતો.
 
      બ્રાહ્મણે જે વેપારીને ઘેર રાતવાસો કર્યો હતો,ત્યાં એ સિપાઈ ચોરી કરવા આવી પહોંચ્યો. બ્રાહ્મણ જયાં સૂતો હતો,એ જ ઓરડીમાં બાકોરું પાડીને સિપાઈ ઘરમાં ઘૂસી ગયો. ઘરામાં તાળું વાસેલી એક પેટી પડી હતી. એ ઉપાડીને સિપાઈ બાકોર માંથી બહાર નીકળવા ગયો.ત્યાં જ અવાજ સાંભળીને પેલો બ્રાહ્મણ જાગી ગયો. એણે પેટી લઈને બહાર નીકળતા સિપાઈને પકડયો.
 
      સિપાઈએ બ્રાહ્મણને ફોસલાવ્યો,''તું છોડી દે. આ પેટી માંથી જે નીકળશે, એમાંથી હું તને અર્ધો ભાગ આપીશ.''
 
      બ્રાહ્મણ માન્યો નહીં.એ બૂમ પાડીને ઘરમાલિક વેપારીને જગાડવા જતો હતો ત્યાં સિપાઈએ જ બૂમાબૂમ શરૃ કરી દીધી. વેપારી જાગી ગયો. સિપાઈ બોલ્યો,'' આ બ્રાહ્મણ તમારી પેટી લઈને ભાગી જતો હતો.તેથી મેં એને પકડી લીધો છે. જુઓ! ઓરડીમાં એણે બાકોરું પણ પાડયું છે!''
     વેપારીને સિપાઈની વાત સાચી લાગી. સિપાઈએ ચોરને પકડયો હતો એટલે એ મામલો દરબારમાં પહોંચ્યો. સિપાઈ,બ્રાહ્મણ અને વેપારીને બીરબલની પાસે હાજર કરવામાં આવ્યાં.
      પહેલાં બીરબલે પોતાના એક વિશ્વાસુ માણસને કંઈક કહીને બહાર મોકલ્યો. પછી તેણે સિપાઈ અને બ્રાહ્મણને પોતાની પાસે બોલાવ્યા. એણે બંનેને સવાલો પૂછવાનું શરૃ કર્યું.
      એટલામાં બીરબલે બહાર મોકલેલો માણસ દોડતો દોડતો પાછો આવ્યો. એણે બીરબલને કહ્યું,
''હજૂર! હું અને મારા દીકરો મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા. મંદિર માંથી બહાર નીકળતાં મારો દીકરો પડી જવાથી બેભાન થઈ ગયો છે. એને ત્યાંથી ઊંચકીને દવાખાને લઈ જવા આપ બે માણસો
 આપશો ?''
      બીરબલે એને કહ્યું,''તું અહીં ઊભો રહે. મારે તારું કામ છે. હું આ સિપાઈ અને બ્રાહ્મણને મંદિરે મોકલી આપું છું. એ તારા દીકરાને મંદિરેથી ઊંચકીને અહીં લઈ આવશે. તું એની ચિંતા કરીશ નહીં.''
 
      સિપાઈ અને બ્રાહ્મણ મંદિરે પહોંચ્યા. ત્યાં બેભાન થઈને પડેલા છોકારને એમણે ઊંચકી લીધો. રસ્તામાં બ્રાહ્મણે સિપાઈને કહ્યું,'' ભાઈ! તેં જ પેલા વેપારીના ઘરમાં બાકોરું પાડયું હતું. તું જ એની પેટી ચોરીને નાસી રહ્યો હતો.મેં તો તને ચોરી કરતાં રોકયો હતો.છતાં લોકો આગળ જૂઠું બોલીને તેં મને ચોરીના આ ગુનામાં કેમ ફસાવી દીધો ?''
      સિપાઈ બાલ્યો,''તારી વાત સાચી છે પણ હવે એનો કશો અર્થ નથી મેં ચોરીના માલમાંથી અર્ધો ભાગ તને આપવાનુ કહ્યું હતું.પણ તું માન્યો નહીં.તેથી હવે તારે સજા ભોગવવી પડશે.''
      થોડી વારમાં બંને જણ છોકરાને ઊંચકીને બીરબલ પાસે આવી પહોંચ્યા. એમણે છોકરાને નીચે સુવડાવ્યો.
      બીરબલે સિપાઈ અને બ્રાહ્મણને ફરીથી સાચું બોલવા સમજાવ્યા. પરંતુ હજુ ચોરીનો દોષ એ બંને એકબીજાને માથે નાખતા હતા.
      બીરબલ કહે, '' તમે બંને આવું જ કર્યા કરશો તો હું ચોરને કેવી રીતે શોધી શકીશ?''
      બીરબલનો પ્રશ્ન સાંભળીને બેભાન પડેલો છોકરો એકદમ ઊભો થઈ ગયો. એણે બીરબલને કહ્યું,
''ખરો ચોર આ સિપાઈ છે. બ્રાહ્મણને ચોરીના ગુનામાં એણે ખોટી રીતે ફસાવી દીધો છે.'' પછી એણે બ્રાહ્મણ અને સિપાઈ વચ્ચે રસ્તામાં થયેલી વાત બીરબલને કહી સંભળાવી.
 
       બીરબલે બ્રાહ્મણને માનભેર છોડી મૂકયો અને સિપાઈને જેલમાં મોકલી દીધો.

 
 


મારા મનના વિચારો અને કલ્પનાઓ

સફળ માણસના લક્ષણો

(૧) આગવું, જુદું તરી આવે એવું એક નિશ્ચિત વ્યક્તિત્વ 
(૨) આનંદિત અને હસતા રહેવાની ક્ષમતા
(૩) બહાનાબાજી અને ક્ષોભથી મુક્ત
(૪) બેચેની, તાણ અને ચિંતાથી મુક્ત
(૫) હંમેશા વર્તમાનમાં જીવનાર - અહી અને હમણા
(૬) સ્વનિર્ભર અને સન્નિષ્ઠ સબંધો ધરાવનાર
(૭) બીજાની સંમતિ શોધવાથી મુક્ત
(૮) સામાજિક જવાબદારીઓ વિષે સભાન
(૯) હસમુખું અને આનંદમય વ્યક્તિત્વ
(૧૦) વાસ્તવિકતાનો શાંતિથી સ્વીકાર કરનાર
(૧૧) બીજાને સમજવાની કુદરતી શક્તિ
(૧૨) વ્યર્થ વિખવાદોથી દુર રહેનાર
(૧૩) “બીમારી”ની બીમારીથી દુર રહેનાર
(૧૪) પરંપરાગત કરતા જુદો માર્ગ લેનાર
(૧૫) ઉત્સાહથી ભરપુર
(૧૬) સતત કુતુહલવૃત્તિ અને સંશોધનાત્મક વલણ
(૭) નિષ્ફળતાથી નિર્ભય
(૧૮) રક્ષણાત્મક્ વલણથી મુક્ત
(૧૯) વાડાબંધીથી મુક્ત
(૨૦) ગુણોની અગ્રીમતા વિષે સ્પષ્ટ
(૨૧) ધારદાર પ્રમાણિક
(૨૨) લાંબા ગાળાના ધ્યેય વિષે સ્પષ્ટ
(૨૩) ઈર્ષ્યા મુક્ત
(૨૪) જાત માટે પ્રેમ અને આદર

પિત્તાશયની પથરી : પેટની બાજુમાં અસહ્ય દુખાવો થતો હોય તો ચેતજો

* હેલ્થ ઇઝ વેલ્થ *
                        પિત્તાશય એ યકૃત (Liver)ની નીચેની સપાટીમાં આવેલો એક નાના ફુગ્ગા જેવો અવયવ છે. માનવશરીરમાં યકૃત ખૂબ જ અગત્યનો અવયવ છે, જે ચયાપચયની પ્રક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. યકૃતમાંથી પિત્ત પેદા થાય છે જે ચરબીજન્ય પદાર્થોના પાચન માટે જવાબદાર છે. આ પિત્ત યકૃતમાંથી પિત્તાશયમાં જાય છે અને ત્યાં તેનો સંગ્રહ થાય છે. પછીથી પિત્તાશયની નળી (Common bile duct) મારફતે નાના આંતરડાના શરૂઆતના ભાગમાં જાય છે.

કારણો

* શરીરમાં પેદા થતા કોલેસ્ટ્રોલમાંથી કેટલીક વ્યક્તિઓમાં પિત્તાશયમાં નાની નાની પથરીઓ બને છે અને તેમાં જમા થાય છે. જેને પિત્તાશયની પથરીઓ કહેવાય છે. કેટલીક વાર એક મોટી પથરી પણ જોવા મળે છે.
* આ પથરીઓ કેટલીક વાર લાંબા સમય સુધી કોઈ તકલીફ આપતી નથી, પરંતુ કોઈ વાર તેમાં ચેપ પેદા થાય છે અથવા સોજો આવે છે. આ સ્થિતિને Cholecystitis કહેવાય છે.

લક્ષણો

* હળવા પ્રમાણમાં સોજો હોય તો મંદ દુખાવો થાય છે.
* ઉબકા, ગેસ, અથવા ઓડકાર આવ્યા કરે છે.
* વધારે પ્રમાણમાં સોજો આવે તો પેટમાં જમણી બાજુએ છેલ્લી પાંસળીની નીચે અને      છાતીનાં હાડકાંના નીચેના છેડા પાસે ખૂબ દુખાવો થાય છે.
* દર્દી ખૂબ જ બેચેની અનુભવે છે. ઊલટીઓ, પરસેવો વગેરે જોવા મળે છે.

નિદાન

* દર્દીનું પેટ તપાસતાં જમણી બાજુએ છેલ્લી પાંસળીની નીચે તથા છાતીનાં હાડકાંના   નીચેના છેડા પાસે હાથથી દબાણ આપતાં દુખાવો વધારે થાય છે અને તે ભાગના સ્નાયુઓ થોડા કડક લાગે છે.
* સોનોગ્રાફીથી આ રોગનું નિદાન જલદી થઈ શકે છે. કેટલીક વાર પિત્તાશયની નળીમાં જો એક-બે પથરી ફસાઈ જાય તો તેમાંથી કમળો થાય છે. જો સ્વાદુપિંડની નળીમાં એક-બે પથરી જતી રહે તો તેના કારણે Pancreatitis થાય છે. જેથી પેટમાં ખૂબ દુખાવો થાય છે અને કેટલીક વાર દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે. અહીં ઉપર વર્ણવેલી બે પરિસ્થિતિ સોનોગ્રાફીમાં તરત જ નક્કી થઈ શકે છે.

સારવાર

* શરૂઆતમાં એન્ટિ બાયોટિક્સ તથા પીડાશામક દવાથી દર્દીને રાહત અપાય છે. ત્યાર બાદ જો પથરી પિત્તાશયની નળીમાં ફસાયેલી હોય તો તે ERCP નામની પદ્ધતિથી તેને દૂર કરવામાં આવે છે અને પછીથી ઓપરેશનથી પિત્તાશયને કાઢી લેવામાં આવે છે.
* આજકાલ ઓપરેશન માટે લેપ્રસ્કોપિક પદ્ધતિ વધારે પ્રચલિત છે. જેમાં દર્દીને એકાદ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે અને ત્રણ-ચાર દિવસના આરામ પછી પોતાની પ્રવૃત્તિઓ કરી શકે છે.
* કોઈ કેસમાં પિત્તાશય બહુ મોટું થઈ ગયું હોય અથવા સખત રીતે ચોંટી ગયું હોય તો પેટ પર ચીરો મૂકીને તેને બહાર કાઢી લેવામાં આવે છે.

સામાન્ય સૂચન

                પિત્તાશયની પથરીઓ ઘણા લોકોમાં જોવા મળે છે. લોહીમાં કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ અને વધુ પડતા ચરબીયુક્ત ખોરાક કે જંકફૂડ પણ કદાચ જવાબદાર હોઈ શકે. આ કારણથી Pancreatitis પણ ઘણી વાર થાય છે. માટે નિયમિત હળવી કસરતો, ખોરાકનું નિયમન વગેરેને મહત્ત્વ આપવું જરૂરી છે.